Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષય પર ઇ-કાર્યશાળા યોજાઇ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષય પર ઇ-કાર્યશાળા યોજાઇ

  June 22,2020

 

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તા.૨૨ જુન, ૨૦૨૦ ના રોજ યુ ટયુબના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ વિષય પર ઇ-કાર્યશાળાનુ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ (કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ), શ્રી પૂનમચંદ પરમાર અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ.આર.કે.પટેલની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવેલ.

કાર્યક્રમની શરૂઆતમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. વી.ટી. પટેલે ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતોનુ સ્વાગત કરતાં પ્રાકૃતિક કૃષિ ઇ-કાર્યશાળાના આયોજનના હેતુ વિશે જણાવેલ. તેમણે જણાવેલ કે, કૃષિ રસાયણોના આડેધડ અને બેફામ ઉપયોગના કારણે જળ, જમીન અને પર્યાવરણની સમતુલા ખોરવાઇ છે માટે ખેડુતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને તે માટે ખેડુતોને માર્ગદર્શન અને સાચી દિશા મળી રહે તે હેતુસર આ ઇ-કાર્યશાળાનું આયોજન કરેલ. વધુમાં વધુ ખેડુતોને તેનો લાભ લેવા જણાવેલ.

માનનીય કુલપતિશ્રી ડૉ.આર.કે.પટેલે અધ્યક્ષસ્થાનેથી બોલતા જણાવ્યું કે, ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા,ઓછા સંસાધનોથી વધુ પાક ઉત્પાદન મેળવવા,નાના ખેડુતોને હવામાનના પડકારો સામે પણ અડીખમ ઉભા રાખવા,ખેડૂતોની આજીવિકા સુધારવા તેમજ તેમનું ભાવિ સલામત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ મહત્વપૂર્ણ અને યોગ્ય ઉપાય છે.  પ્રાકૃતિક કૃષિનો મુખ્ય ઉદ્દેશ ફક્ત વધુ ઉપજ તરફ જ ધ્યાન આપતા અને જૈવવિવિધતાને નુકસાનકર્તા, જમીન અને પાણી જેવા કુદરતી સંસાધનોને પ્રદૂષિત કરતાં અને જમીનને બીનઉપજાઉ કરતાં રાસાયણિક ખાતરો/ જંતુનાશક દવાઓનો ઉપયોગ નાબૂદ કરીને પ્રાકૃતિક કૃષિ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.પ્રાકૃતિક કૃષિ પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓની હિમાયત કરે છે જે કૃષિને વધુ ટકાઉ ભવિષ્ય તરફ લઇ શકે છે. વિશ્વને આજે વધુ સ્થિતિસ્થાપક અને ટકાઉ પ્રાકૃતિક કૃષિની જરૂર છે કે જે કૃષિ રસાયણો પર ઓછી નિર્ભર અને કુદરતી,જૈવિક અને જીવસૃષ્ટિ પ્રક્રિયાઓ પર આધારિત છે.ચોમાસાની શરૂઆતમાં જ પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતિ માટે કરેલ પ્રયત્ન સરાહનીય છે. આશા રાખું છું કે, આ માહિતી ખેડૂત મિત્રોને ખુબજ ઉપયોગી થશેપ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળશે તેવી અભ્યર્થના સહ વેબીનારમાં જોડાવા બદલ તમામને ધન્યવાદ આપ્યા હતા.

અધિક મુખ્ય સચિવશ્રી (કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ) શ્રી પૂનમચંદ પરમાર સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે, મહામહીમ રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ ગુજરાતનો કાર્યભાર  સંભાળ્યો ત્યારથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ અંગે ગંભીરતાથી વિચારે છે. તે માટે જરૂરી પ્રાથમિક તૈયારીઓ પણ સરકાર કરી ચુકી છે. આ માટે રાજ્ય સરકારે બે યોજનાઓ જેવી કે, દેશી ગાય પાલન માટે માસીક રૂ.૯૦૦૦/- ખેડુત સહાય અને જીવામૃત બનાવવા માટે ડ્રમની સહાય. આ ઉપરાંત દેશી ગાયો ન પાળી શકતા ખેડુતો માટે પણ નજીકની ગૌશાળામાંથી જીવામૃત ઉપલબ્ધ કરવાની યોજના પણ સરકારશ્રીમાં વિચારાધિન છે. વધુમાં તેઓશ્રીએ દ્રષ્ટાંતો  સહિત ભારપૂર્વક જણાવ્યું કે,પ્રાકૃતિક કૃષિએ ચીલાચાલુ કૃષિ નથી પરંતુ વૈજ્ઞાનિક અભિગમ આધારિત ખેતી છે. પ્રાકૃતિકકૃષિના વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર પ્રસાર કરવા માટે તેઓશ્રીએ તમામને આહવાન કરેલ.

તેઓશ્રીએ વધુમાં જણાવેલ કે, કોવિડ-૧૯ મહામારીએ આખી દુનીયાની આંખો ઉઘાડી છે. કોરોના વાયરસે રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્ત શરીરની ભૂમીકા ઉપર સર્વેનુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. એજ પ્રમાણે  વધુ અને પ્રદુષણ મુક્ત પાક ઉત્પાદન મેળવવા તંદુરસ્ત છોડનું ખૂબ મહત્વ છે. તંદુરસ્ત છોડમાં તમામ વાનસ્પતિક કાર્યો વધુ સારી રીતે થાય છે. આમ, તંદુરસ્ત છોડ અને પાક ઉગાડવા પ્રાકૃતિકકૃષિ એક માત્ર ઉપાય છે. બધા જ નાગરિકોને રસાયણમુક્ત અને સ્વાદિષ્ટ ખોરાકની જરૂર છે. એ જરૂરિયાત પૂર્ણ કરવાની મારી અને સરકારશ્રીની નેમ છે. આદિવાસી પટ્ટામાં પ્રાકૃતિકકૃષિનું મહત્વ સમજાવતાં તેઓશ્રીએ સૌને પ્રાકૃતિકકૃષિ અપનાવવા માટે આહવાન કર્યુ. 

ત્યારબાદ તાંત્રિક સત્રની શરૂઆતમાં ર્ડા.જે.સી.પટેલે પ્રાકૃતિક કૃષિમાંયોગ્ય પાક પધ્ધતિ વિશે વિસ્તારથી માહીતી આપેલ. તેઓએ મિશ્રપાક પધ્ધતિ, આંતરપાક પધ્ધતિ આવરણનું મહત્વ વિસ્તારથી સમજાવેલ. ર્ડા.સી.કે.પટેલે પ્રાકૃતિક કૃષિમાંપોષણ વ્યવસ્થાપન સમજાવતાં પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ પ્રાકૃતિક ખાતરો બનાવવાની રીતો વિસ્તારથી શીખવી. જેમાં તેઓએ ઘન  જીવામૃત, પ્રવાહી જીવામૃત, બીજામૃત, પંચગવ્ય વગેરે વિશે  સવિસ્તાર માહિતી આપેલ. ર્ડા.એફ.કે.ચૌધરીએ પ્રાકૃતિક કૃષિમાં રોગ-જીવાત વ્યવસ્થાપન વિશે વિગતવાર સમજાવેલ. જેમાંતેઓએ બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર, અગ્નસ્ત્ર વિગેરેની બનાવટ વિશે વિસ્તારથી સમજ આપેલ. ત્યારબાદ ખેડૂતો દ્વારા પુછાયેલ પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા નિરાકરણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમનુ સફળ સંચાલન ર્ડા.આર.આર.પ્રજાપતિ, ર્ડા.એચ.બી,પટેલ અને ર્ડા.સી.કે.દેસાઇ દ્વારા કરવામાં આવેલ.